વાર્તા – 41

પાછળ [Back]

 

સોશિયલ મીડિયા ફંફોળતાં એક કિસ્સો ચીનના પ્રેસિડેન્ટ ઝી (લી) જિનપિંગના નામે વાંચવામાં આવ્યો. મૂળભૂત રીતે આ વાત અંગ્રેજીમાં કહેવાઈ છે અને પ્રેસિડેન્ટ જિનપિંગના શબ્દોમાં વર્ણવાઇ છે. તેમના પોતાના જ કથન મુજબ –

હું જ્યારે નાનું બાળક હતો, સ્વભાવગત રીતે ઘણો સ્વાર્થી હતો અને હમ્મેશાં મારી નજર સારામાં સારું આંચકી લેવા પર રહેતી.

મારા આ સ્વભાવને કારણે ધીરે ધીરે બધા મારાથી દૂર થતા ગયા. મારે કોઈ મિત્રો નહોતા. આમ છતાંય મને લાગતું કે મારો તો કોઈ વાંક જ નથી અને હું હમ્મેશાં બીજાની ટીકા કરતો રહેતો.

મારા પિતાશ્રીએ ત્રણ વાક્યોમાં અનુકૂળ દાખલાઓ સાથે આ પરિસ્થિતીમાંથી મને બહાર કાઢ્યો.

એક દિવસે મારા બાપાએ બે બાઉલ્સ (વાડકા) નૂડલ્સ રાંધ્યા અને તેમણે જુદા જુદા વાડકામાં ભરીને ટેબલ પર મૂક્યા. એક વાડકામાં નૂડલ્સની ઉપર ઈંડું પણ હતું જ્યારે બીજામાં કંઇ જ નહોતું.

તેમણે મને આ બેમાંથી એક વાડકો પસંદ કરવા કહ્યું.

એ કાળખંડમાં ઈંડાં બહુ સરળતાથી મળતાં નહોતાં અને એટલે મેં જેમાં નૂડલ્સની ઉપર ઈંડું મૂકવામાં આવ્યું હતું એ વાડકો પસંદ કર્યો.

મારી પસંદગી માટે હું મારી જાતની પીઠ થાબડતો હતો કે મેં કેવું સરસ પ્રાપ્ત કર્યું. અને એ સાથે જ સૌથી પહેલાં ઈંડું ઝાપટી ગયો.

મારા આશ્ચર્ય વચ્ચે મારા બાપાએ લીધેલ વાડકો જેમાં નૂડલ્સની ઉપર ઈંડું નહોતું તેમાં તળિયેથી બે ઈંડાં નીકળ્યા જે નીચે ઢંકાયેલાં હતાં.

આ જોઈને મેં મારી જાતને કામ વગરની ઉતાવળ કરવા માટે ઠપકો આપ્યો.

મારા પિતાજી મારા મનોભાવ કળી ગયા અને એક સ્મિત કરતાં કહ્યું, “જે તારી આંખ જુએ છે તે સાચું જ હોય તે જરૂરી નથી.”

બીજા દિવસે ફરી એકવાર એમણે બે વાડકા ભરીને નૂડલ્સ રાંધ્યા. આ બંને વાડકામાં નૂડલ્સ ભરીને જ્યારે ટેબલ પર મૂક્યા ત્યારે ફરી એકવાર એક વાડકામાં નૂડલ્સ ઉપર ઈંડું હતું જ્યારે બીજામાં નહોતું. અગાઉના અનુભવને આધારે મેં આ વખતે ઈંડા વગરનો વાડકો પસંદ કર્યો.

પણ…

મારા આશ્ચર્ય વચ્ચે જોયું તો આ વખતે વાડકામાં તળિયે એક પણ ઈંડું નહોતું.

પિતાજીએ ફરી સ્મિત કર્યું અને મને કહ્યું, “અરે બેટા ! માણસે હમ્મેશાં ભૂતકાળના અનુભવ ઉપર આધાર રાખીને જ નહીં ચાલવું જોઈએ. કારણ કે ક્યારેક આવું કરવા જતાં જિંદગી તમને છેતરી જાય છે અથવા તમારી સાથે કોઈક રમત રમાઈ જાય છે !

કોઈ પણ પ્રકારની પરિસ્થિતીમાં નારાજ અથવા નિરાશ નહીં થવું, જે અનુભવ મળે તે ગાંઠે બાંધવો કારણ કે આ પ્રકારનું જ્ઞાન પુસ્તકોમાંથી મળતું નથી.”

ત્રીજા દિવસે મારા બાપાએ ફરી એકવાર બે વાડકા ભરીને નૂડલ્સ રાંધ્યા. ફરી એ ટેબલ પર મુકાયું ત્યારે એકના મથાળે ઈંડું હતું જ્યારે બીજાના મથાળે ઈંડું નહોતું.

એમણે મને જે જોઈએ તે વાડકો પસંદ કરવા કહ્યું.

પણ આ વખતે મેં શાણપણ દાખવ્યું અને મારા બાપને કહ્યું, “તમે પહેલાં પસંદ કરી લો. કારણ કે તમે કુટુંબના વડા છો અને કુટુંબ માટે ઘણું બધું વેઠો છો.”

મારા બાપાને આ સાંભળી આનંદ થયો અને એમણે મારા માટે એક વાડકો પસંદ કર્યો.

એમણે મથાળે ઈંડું હતું એ વાડકો પસંદ કર્યો પણ જેવુ મેં મારા ભાગમાં આવેલ વાડકામાંથી નૂડલ્સ ખાવાનું પૂરું કર્યું તેઓ મારા અત્યંત આશ્ચર્ય વચ્ચે એ વાડકાના તળિયે બે ઈંડાં હતાં !

મારા બાપાએ મારા સામે સ્મિત કર્યું અને અત્યંત પ્રેમપૂર્વક કહ્યું, “દીકરા ! જ્યારે તમે બીજાનું ભલું વિચારો છો ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી સાથે પણ પણ સારી ઘટનાઓ બને છે.”

અંતમાં લી જિનપિંગ લખે છે, મેં હમ્મેશાં આ ત્રણ વાક્યો –

એક – જે તમારી આંખ જુએ છે તે સાચું હોય જ એ જરૂરી નથી, જો તમે લોકોનો લાભ ઉઠાવવા જશો તો છેવટે તમે પણ ગુમાવશો.

બીજું – હમ્મેશાં માત્ર અનુભવ પર જ આધાર રાખવાનું ન રાખો. અનુભવને શીખવા માટેના દિશાસૂચક તરીકે રાખો કારણ કે આવું જ્ઞાન કોઈ પુસ્તકમાંથી નહીં મળે.

અને છેલ્લે તમે જ્યારે બીજાનું ભલું ચાહો છો ત્યારે તમારું પણ ભલું થાય છે એટલે કે કર ભલા હોગા ભલા !!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *