વાર્તા-48

પાછળ [Back]

એક મોચી દાદા

 

રાજકોટ માં નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે કાટખૂણે નીચે રોડ પર એક મોચી દાદા બેસે, સ્કૂલે આવતી બાળાઓ ના બુટ સાંધી દે, પોલીશ કરી દે, થેલા ફાટયા હોય તો સીવી દે, એવું છુટક કામ કરી ગુજરાન ચલાવે.હું પણ ત્યાં પોલિશ કરાવવા ઉભો રહ્યો , મેં ભાવ પુછ્યા પોલિશ ના 10 રૂપિયા !!! ખૂબ જ વ્યાજબી કહેવાય કેમ કે બધે 20 રૂપિયા થઈ ગયા છે. મેં પૂછ્યું કેમ 10 રૂપિયા જ તો દાદા એ જે જવાબ આપ્યો તે સાંભળી હું છક થઈ ગયો, દાદા કહે કે આ દિકરીયું ભણવા આવી હોય તેની પાસે પોતાના વાપરવા ના પૈસા માંડ હોય એમાં હું વધારે પૈસા લઉં તો એમને નાસ્તો – ભાગ લેવા કે વાપરવા માં ખૂટે એટલે હું 10 રૂપિયા જ લઉં છું., આ વાતચીત ચાલતી હતી , હું દાદા ની ફિલસુફી સમજવા નો પ્રયાસ કરતો હતો ત્યાં જ સ્કુલ છુટી અને એક પછી એક બાળાઓ આવતી જાય, દાદા ને આત્મિયતાપુર્વક રામ રામ કરતી જાય અને પાસે પડેલા ડબ્બા માં થી પીપર લેતી જાય.

મને કંઈક અલગ લાગ્યુ એટલે મેં દાદા ને પૂછ્યું કે આ બધું શું છે ? દાદા હસતા હસતા કહે કે દીકરીઓ ને ખાલી હાથ થોડી જવા દેવાય, બધી દીકરીઓ ને રોજ અહીં પીપર ખાવા ની ટેવ પડી ગઈ છે. દાદા શ્રમજીવી છે એ કોઈ એટલા અમીર નથી કે રોજ એક મોટી કોથળી ભરી ને પીપર પુરી કરી નાખે પણ તો ય એ છુટ થી પીપર ની લ્હાણી કરે. દાદા પાસે પીપર પણ ના ખૂટે અને વ્હાલ પણ…. અને છેલ્લે મને કહે શું સાથે લઈ જાવું છે ???

હવે આનો મારી પાસે કોઈ જવાબ નહોતો…..
એમની ઉદારતા ને સલામ…. એમના મનોબળ ને સલામ…

 

વાર્તા-47

પાછળ [Back]

 

જેના હ્રદયમાં ઇશ્વર છે તેને કોઇ “સુતક” નડતું નથી.

 

ફેબ્રુઆરી 2007નો સમયગાળો.. વડોદરાથી 50 કિલોમીટર દૂર આવેલું 30 હજારની વસ્તી ધરાવતું એક નગર..  જ્યાં 80 વર્ષના વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. પણ કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમેલી ડોક્ટરે વૃદ્ધને ચેન્નાઈની પ્રસિદ્ધ અડયાર કેન્સર હોસ્પિટલમાં ઈલાજ માટે જવા સલાહ આપી.

 

 વૃદ્ધની સારવાર માટે ડોક્ટર દ્વારા તમામ ગોઠવણ અહીંથી જ ફોન કરીને કરી આપવામાં આવી. એક મહિનો ચેન્નાઇ રહી અને સારવાર કરવાની હતી જેથી બે પુત્રોમાંથી કોઈ એક મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ના હોવાથી તે વૃદ્ધ પોતાની 75 વર્ષની પત્નીને સાથે લઈને ચેન્નાઇ સારવાર કરાવવા નીકળ્યા.

 

ચેન્નાઇ ટ્રેન પહોંચતા પાંચ કલાક મોડી પડી અને રાત્રે નવ વાગે ચેન્નાઇ ઉતરી અને વૃદ્ધ દંપત્તિ રીક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલ પહોંચ્યું. રીક્ષાથી રાત્રે દસ વાગ્યા પછી હોસ્પિટલના કેમ્પસમાં પહોંચેલા વૃદ્ધાએ પૈસા ચૂકવી અને પતિને નીચે ઉતરો હવે તેમ કહ્યું ત્યારે જોયું કે પતિનો દેહ નિષ્ચેત છે અને કોઈ જવાબ નથી આપી રહ્યો. વૃદ્ધા ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા ત્યાં ચેન્નાઇમાં ભાષાની ભારે તકલીફ પડી પણ વૃદ્ધાના ઈશારાઓથી ચેન્નાઇના ડોક્ટરો કંઈક સમઝ્યા અને બહાર આવી વૃદ્ધને ચકાસી અને જણાવ્યુંકે તેઓનો દેહાંત થઇ ચુક્યો છે. વૃદ્ધના મૃતદેહને રીક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યો. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય પણ મૃતદેહને નહીં એટલે હોસ્પિટલના કેમ્પસમાજ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો.

 

 રાતે દસ વાગ્યા પછીનો સમય હતો હોસ્પિટલનું ચોગાન પણ સુમસામ હતું અને 75 વર્ષની વૃદ્ધા ઘરથી 1800 કિલોમીટર દૂર પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી જ્યાં કોઈ તેની ભાષા સમઝતું ના હતું કે તે કોઈની ભાષા સમઝતી ના હતી. 

દરમ્યાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો. ઘરે અમંગળના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા પણ તેથી વધુ દુઃખ હતું કે ઘર થી આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી તો હવે કરવું શું..!! સંબંધી અને આસપાડોસમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા.

 તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નાઇ ચોવીસ કલાક પહેલા પહોંચવું કે ત્યાંથી મૃતદેહ પણ અહીં લાવવો બંને માંથી કાંઈજ કોઈ પણ રીતે શક્ય નહતું, છેવટે ભીડમાં મોજુદ આધેડ વયના અશોકભાઈએ પોતાની રીતે પ્રયત્નો શરુ કર્યા.

 તેઓ વડોદરાની એમએસ યુનિવર્સીટીમાં ભણતા હતા ત્યારે ત્રીસ વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની છોકરી હતી તેના લગ્ન ચેન્નાઇ થયા હતા અને ત્યારે તેના લગ્નમાં ગયા હતા અને જાન ચેન્નાઇ થઇ આવી હતી તેમ યાદ આવતા અશોકભાઈ એ પોતાના મિત્ર વર્તુળ માં રાતે  અગ્યાર વાગે ફોન ઘુમાવવાના શરુ કર્યા.

 

 લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક નહતો છતાં પાંચ-છ મિત્રોનો સંપર્ક કર્યા બાદ વંદનાના વડોદરા ખાતેના પિયરનો લેન્ડલાઈન નમ્બર મેળવી શકાયો જે પ્રક્રિયા દરમ્યાનમાં રાતના એક વાગી ગયો હતો.

પરિવારના સભ્યો સતત ચેન્નાઇમાં પોતાની માતાના સંપર્કમાં હતા પણ ઉપર ઉપર કોલથી  ફોન ચાલુ રહેવાને કારણે ચેન્નાઇમાં વૃદ્ધાની મોબાઈલની બેટરી પણ ઉતરી ગઈ.. સંપર્ક તૂટી ગયો..

 

અશોકભાઈએ રાતે એક બાદ વંદનાના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી એક પ્રયત્ન કરવાનું ઠીક માન્યું. રાત્રે રિંગ વાગીતો કોઈક કિશોરી એ ફોન ઉપાડ્યો અને અશોકભાઈએ વંદના વિષે પૂછતાં કિશોરી એ જણાવ્યું કે તે મારા ફોઈ છે અને ચેન્નાઇજ રહે છે. અને તેઓની દીકરીનું પરમ દિવસ લગ્ન છે એટલે મારા પરિવારના તમામ સભ્યો ચેન્નાઇ ગયા છે. મારે માર્ચ માં બોર્ડની પરીક્ષા છે એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ.

 

 અશોકભાઈએ વંદનાનો ચેન્નાઇનો નંબર માંગતા મળી ગયો અને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ખચકાતા ખચકાતા અશોકભાઈએ વંદનાના મોબાઈલ પર ફોન કર્યો. બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું જેથી શું વાત કરવી અને કઈ રીતે તે માટે અશોકભાઈ અવઢવ માં હતા ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ પોતાનો પરિચય આપી વંદના સાથે વાત કરાવવા કહ્યું. વંદનાને પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ સમગ્ર બાબત જણાવી.. તારી દીકરી નું લગ્ન છે તેવા સમયે ત્રીસ વર્ષ પછી જિંદગીમાં પહેલી વાર તને ફોન કરું છું પણ આવી મજબૂરી છે તારાથી થાય તો મદદ કર બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું.

 

 વંદનાએ નામઅને સરનામું લીધું અને બને તે મદદ કરવાની ખાતરી આપી. 

છત્રીસ કલાક બાદ જેના ઘરના આંગણામાં દીકરીને પરણવા જાન આવવાની હતી તે વંદના તેના પતિને લઇ અને રાતે અઢી વાગે ચેન્નાઇની કેન્સર હોસ્પિટલમાં પહોંચી અને વૃદ્ધાને મળી..

 

 અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને મળતા દસ વાગ્યાના પતિની લાશ સાથે મુર્તિવંત બનીને બેસેલી વૃદ્ધા દિલ ખોલી અને વંદનાના ખભા ઉપર માથું મૂકી રડી. દરમ્યાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની વ્યવસ્થા કરી. અને મૃતક વૃદ્ધના પરિવાર સાથે પરામર્શ કરી અને મૃતદેહને ચેન્નાઇમાંજ અંત્યેષ્ઠી કરવાની વાત નક્કી કરી. વંદનાને વૃદ્ધા સાથે છોડી અને એનો પતિ અંતિમ ક્રિયાની તૈયારી કરવા ગયો. 

 

સવારે સાત વાગે હોસ્પિટલના ચોગાન માં એક એક કરી અને માણસ ભેગા થવા લાગ્યા. આંઠ વાગ્યાની આસપાસ ચારસો ગુજરાતીઓ હોસ્પિટલના ચોગાન માં ભેગા થઇ ગયા અને વંદનાનો પતિ અંતિમ સમાન લઇ અને આવ્યો. જરૂરી વિધિ પતાવી ચેન્નાઇ માં ચારસો ગુજરાતીઓ એક અજાણ્યા ગુજરાતીનો મૃતદેહ લઇ રામ નામ નો જાપ કરી સ્મશાન પહોંચ્યા અને મૃતદેહને પંચમહાભૂત માં વિલીન કર્યો..

વંદનાએ વૃદ્ધાને પોતાને ત્યાં લઇ જઈ થોડા સ્વસ્થ કર્યા અને ચેન્નાઇ થી વડોદરા આવવા ટ્રેનમાં રવાના કરવાની વિધિ પતાવી અને બીજે દિવસે જ્યાં દીકરીની જાન આવવાની હતી અને લગ્નમાં મોસાળું કરવા આવેલા ભાઈને મોસાળું કરવાની જવાબદારી બીજા નિભાવી લેશે તું માજી ને ઘરે પહોંચાડવાનું કામ કર કહી અને માજી સાથે જ ટ્રેનમાં વડોદરા રવાના કર્યો..

 

વંદનાના ઘરે લગ્ન પતિ ગયાના બે સપ્તાહ બાદ પોતાના પિયર અને સાગા-સંબંધીઓને ત્યાં દીકરી જમાઈને લઈને આવી ગુજરાતમાં કુળદેવીના મંદિર ખાતે નવપરણિત યુગલને પગે પણ લગાવવાના હતા ત્યારે વંદના ચેન્નાઇ થી અસ્થિ કળશ અને મૃત્યુનું પ્રમાણપત્ર પણ સાથે લઇ ને આવવાનું ના ભૂલી..

 

એટલેજ કહેવાય છે.. *કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત*…..

 

આ સામાન્ય છોકરી જે માત્ર છાણાં થાપીને બની 8 કંપનીની માલીક.. રોજનું કરોડોનું ટર્નઓવર છે.

પાછળ [Back]

 

મિત્રો, આપણે બધાએ લગભગ આ એક કહેવત તો સાંભળી જ હશે કે ગમે તેવી ખરાબ  જમીન કેમ ના હોય છતાં પણ એણે બગીચો બનાવી શકાય છે. આજે અમે એક એવી જ એક કહાની જણાવીશું જે મહિલા છાણા થાપીને મોટી કંપનીની મલકીન બની ગઈ. તો ચાલો જાણીએ એની મહેનત વિશે..

આ મહિલાનું નામ છે કલ્પના સરોજ. આ મહિલા ખુબ જ ગરીબ છે. એમણે જીવનમાં પતિની યાતનાઓ પણ ઘણી સહન કરી, સમાજના મેણાં ટોણા પણ સહન કર્યા અને એ બધાથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરતું એના નસીબમાં કંઈક બીજું જ હતું અને આજે તે એમના દરેક સપના સાકાર કરી શકે છે એટલી શક્તિશાળી બની ગઈ છે.

કલ્પના સરોજ આજે 700 કરોડની કંપનીની માલકિન છે. કલ્પના હાલના સમયમાં કરોડોનું ટર્નઓવર કરે છે તે કંપની ‘કમાની ટ્યુબ્સ’ ની ચેરપર્સન છે અને તેમને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત પણ કરવામાં આવેલ છે. એના સિવાય કલ્પના સરોજ કમાની સ્ટીલ્સ, કેએસ ક્રિએશનસ, કલ્પના બિલ્ડર એન્ડ ડેવલોપર્સ, કલ્પના એસોસિએટ્સ જેવી બીજી ઘણી કંપનીઓની પણ મલકીન થઇ ચુકી છે. આ બધું એમની પોતાની જાત મહેનતથી ઉભું કરેલું છે. અને એમની બધી કંપનીઓનું રોજનું ટર્નઓવર કરોડોનું છે.

ભારત સરકાર દ્વારા કલ્પનાને સમાજસેવા અને સાહસિકતા માટે પદ્મશ્રી અને રાજીવ ગાંધી રત્ન પુરસ્કાર આપવામાં આવ્યા છે. દેશ-વિદેશમાં બીજા પણ બધા પુરસ્કારો પણ એમણે મેળવ્યા છે.પહેલા 2 રૂપિયા રોજ કમાવવા વાળી કલ્પના આજે 700 કરોડના સામ્રાજ્ય પર રાજ કરે છે.

કલ્પનાએ ઉભું કર્યું મોટું સામ્રાજ્ય

આ કલ્પનાસરોજનો જન્મ દુકાળનો શિકાર બનેલા મહારાષ્ટ્રના ‘વિદર્ભ’ માં થયો. તેમના ઘરની પરિસ્થિતિ ખુબ જ ખરાબ હતી અને એ કારણે તે છાણા થાપીને વેચવાનો ધંધો કરતી હતી. એમના પરિવારે 12 વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન કરવી દીધા જે એનાથી 10 વર્ષ મોટા છોકરો હતો. જેના કારણે એનું ભણવાનું અટકી ગયું અને સાસરાના ઘરે કોઈ કામમાં થોડી પણ ભૂલ થતી તો એમને રોજ માર મારતા હતા.

એમના શરીર પર ઘા પડી ગયા હતા અને એમની જીવવાની બધી ઈચ્છા પણ પુરી થઇ ગઈ હતી. આ કલ્પના એના સસરાના ઘરને નર્ક જ માનતી હતી, એક દિવસ આ નર્કમાંથી ભાગીને કલ્પના પોતાના ઘરે આવી ગઈ. જેની સજા કલ્પનાની સાથે તેના પરિવારને પણ મળી. પંચાયતે એના પરિવારના ખાવા પીવાનું કરાવી દીધું. ખોરાક-પાણી બંધ થવાની સાથે કલ્પનાને જીવનના રસ્તા બંધ થતા હોય એવું લાગવા માંડ્યું.

જેના કારણે કલ્પના પાસે જીવવાનું કોઈ ખાસ કારણ રહ્યું ન હતું. આથી એક દિવસ તેમણે જંતુનાશક દવા પીઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પણ પરિવારની એક મહિલા કલ્પનાને જોઈ ગઈ અને તેનો જીવ બચાવી લીધો.

કલ્પના માટે આત્મહત્યાનું પગલું તેમના જીવનમાં મોટો વળાંક લાવેલું છે. તેમને વિચાર આવ્યો કે હું શું કામ જીવ આપું, કોના માટે? હું પોતાના માટે જીવું અને કંઈક મોટું મેળવવાનું વિચારું, કઈ નહીં તો પ્રયત્ન ખુબ જ કરીશ અને આગળ વધીશ .

આવા જ નવા વિચાર સાથે  કલ્પના ફરીથી મુંબઈ આવી. પરતું આ વખતે  એક નવા જીવનની શરૂઆત કરવા ગઈ હતી. કલ્પનાને કળા તરીકે કપડાં સીવતા આવડતું હતું. તેણે એક ગારમેન્ટ કંપનીમાં નોકરીની શરૂઆત કરી. ત્યાં એમને 1 દિવસની 2 રૂપિયા પગાર મળતો હતો, જે ખુબ ઓછી હતી. એટલા માટે કલ્પનાએ પોતે જાતે બ્લાઉઝ સીવવાનું કામ ચાલુ કર્યુ. એ સમયે એમને 1 બ્લાઉઝના 10 રૂપિયા મળતા હતા.

એમણે વિચાર્યુ કે રોજ 4 બ્લાઉઝ સીવું તો 40 રૂપિયા મળશે અને ઘરની સારી એવી મદદ પણ થશે. એણે ખુબ જ મેહનત કરવાનું ચાલુ કર્યું, દિવસના 16 કલાક કામ કરીને કલ્પનાએ પૈસા ભેગા કરતી અને ઘરવાળાની મદદ પણ કરતી.

કલ્પનાએ વિચાર્યું કે સિલાઈના કામમાં ઘણો સ્કોપ છે અને તેણે એને બિઝનેસની રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. તેણે દલિતોને મળવા વાળી 50,000 ની સરકારી લોન લઈને એક સિલાઈ મશીન અને બીજા સામાન ખરીદ્યા અને એક બુટીક શોપની શરૂઆત કરી. એમાં પણ કલ્પના દિવસ-રાત મહેનત કરતી અને જેનાથી બુટીક શોપ વધારે ચાલવા લાગી તો કલ્પના પોતાના પરિવાર વાળાને વધુ પૈસા મોકલવા લાગી અને થોડા પૈસાની બચત પણ કરતી.

પછી એમણે બચતના પૈસાથી એક ફર્નિચર સ્ટોર પણ શરુ કર્યો અને તેને પણ સારો પ્રતિભાવ મળ્યો. એની સાથે તેણે બ્યુટી પાર્લર પણ ખોલ્યું અને સાથે રહેવા વાળી છોકરીઓને એનું કામ શીખવ્યું અને નોકરી અપાવી. કલ્પનાએ બીજીવાર લગ્ન કર્યા પણ પતિનો સાથ લાંબા સમય સુધી ન મળ્યો અને બીમારીના કારણે એના પતિનું મૃત્યુ થયું. 2 બાળકોની જવાબદારી કલ્પના પર આવી ગઈ.

આ દરમ્યાન જ કલ્પનાને જાણવા મળ્યું કે 17 વર્ષથી કોઈ કારણસર બંધ પડેલી ‘કમાની ટ્યુબ્સ’ નામની કંપનીને સુપ્રીમ કોર્ટે તેના કામદારો સાથે શરુ કરવા કહ્યું. કંપનીના કામદારો પણ કલ્પનાને મળ્યા અને કંપનીને ફરીથી શરુ કરવા માટે મદદ માંગી. આ કંપની ઘણા વિવાદોને કારણે 1988 થી બંધ પડી હતી.

અને પછી કલ્પનાએ એમના વર્કરો સાથે મળીને મહેનત અને ઈરાદાના બળ પર 17 વર્ષોથી બંધ કંપનીને શરુ કરી અને એમાં ફરીથી મહેનત કરવા લાગી. કલ્પનાએ જયારે કંપની સંભાળી ત્યારે કામદારોને ઘણાં વર્ષોનો પગાર પણ મળ્યો ન હતો, કંપની પર કરોડોનું સરકારી કરજ પણ હતું, પણ કલ્પનાએ હિમ્મત નહીં હારી અને દિવસ રાત મહેનત ચાલુ જ રાખી. એમણે કંપની સાથે જોડાયેલા દરેક વિવાદ હટાવ્યા અને મહારાષ્ટ્રના વાડામાં નવી જમીન પર ફરીથી સફળતાનો ઇતિહાસ લખી નાખ્યો. કલ્પનાની મહેનતના કારણે જ આજે ‘કમાની ટ્યૂબ્સ’ કરોડોનું ટર્નઓવર કરી રહી છે.

 

વાર્તા-46

પાછળ [Back]

હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું

ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’

દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.

એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’

ધર્મપાળે કહ્યું:  ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’

મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો  છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.

તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’

ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’

આટલું કહી સુલતાને કહ્યું:  ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’

ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’

‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’

ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’

સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’

ધર્મપાળે કહ્યું:  ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’

બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–

એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !

એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !

વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’

ધર્મપાળે કહ્યું: ‘ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’

સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’

ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’

બોધ : જો નીતિ સાચી અને માતા પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે……

 

 

 

ટૂંકી વાર્તા-3

પાછળ [Back]

 

આપણે સહુ ૧ ખીલ્લી જ છીએ

 

ગુરુજીએ એકવાર એક ખીલ્લી પાણીમાં નાખી..

તો ખીલીનું શું થયું..?

તે ખીલી ડૂબી ગઈ

પછી બીજીવાર ગુરુજીએ લાકડું નાખ્યું તો શું થયું.. ?

તે લાકડું તરવા લાગ્યું…

જોનારા બધાએ ઉત્તર આપ્યો કે આ તો કોમન છે… આમા નવું કે ચમત્કાર જેવું શું થયું..?

ત્યારે ગુરુજીએ ડૂબી ગયેલી ખીલીને લાકડામાં હથોડા વડે જોડી દીધી..

પછી એ લાકડું પાણીમાં નાખ્યું..તો લાકડા સાથે ખીલી પણ તરવા લાગી…

ગુરુજીએ બધાને સમજાવતાં કહ્યું કે આ સંસાર સાગરમાં દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી હોતો પરંતુ જો પોતાના સંગઠન સાથે જોડાઈ જઈએ… તો આપણે તરી જઈએ…

કોઈપણ રીતે, કોઈપણ સંજોગોમાં દરેક વ્યક્તિએ પોતાના સંગઠનના શુભ કાર્યો સાથે જોડાયેલા રહેવું…

આપણે સહુ ૧ ખીલ્લી જ છીએ

સંગઠન રૂપી લાકડા માં જોડાયેલા રહો તો ડૂબવાની ચિંતા નહી રહે…

 

 

 

વાર્તા- 44

પાછળ [Back]

 

ત્રણ કલાક ના આઠ લાખ રૂપિયા 

એક 80 વર્ષના દાદાને એટેક આવ્યો દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું 

અને ખુબ સુખી સંપન્ન હતા સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા 

ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાય પાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવવું પડશે.

દાદા કહે જેવી હરિની ઇરછા 

ઓપરેશન પતી ગયું ત્રણ દિવસ વિતી ગયાં દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બીલ આપ્યું આઠ લાખ રૂપિયા 

એ બીલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યાં ડોક્ટર દયાળું હતા કહયું દાદા કેમ રડો છો તમને બીલ વધારે લાગતું હોય તો મને લાખ બે લાખ ઓછા આપો પણ તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઇને રડો છો મને દુ:ખ થાય છે 

દાદાએ કહ્યું ના ડોક્ટર ભગવાને મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં બાર લાખ બીલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો એ બોલતા દાદા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં 

ડોક્ટરે કહ્યું દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે તમને કોઈ દુ:ખાવો કે બીજી કોઈ શારીરીક તકલીફ થાય છે 

દાદાએ કહ્યું ના ડોક્ટર તમે ખુબ સરસ ઓપરેશન કર્યુ છે 

ડોક્ટરે કહ્યું તો પછી દાદા કેમ રડો છો તમે?

દાદા કહે ડોક્ટર તમે નહીં સમજી શકો 

ડોક્ટરે કહ્યું જે હોય તે તમે મને પ્લીઝ કહો 

દાદાએ કહયું તો સાંભળો ડોક્ટર તમે મારૂં ઓપરેશન કર્યુ મારૂં હ્રદય ત્રણ કલાક સાચવયું ત્રણ કલાક ના આઠ લાખ રૂપિયા 

હું એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહયોં છું કે જેમણે મારૂં હ્રદય 80 વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર સાચવ્યું 

ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો 80 વર્ષના કેટલા?

એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર હું રડી રહયોં છું 

આ સાંભળતા જ  ડોક્ટર દાદાના પગમાં પડી ગયાં 

તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે માગવા પહોંચી જઇએ છીએ 

શું નથી આપ્યું આજ સુધીનું જે પણ જીવન જીવાયુ એ એની જ કૃપા, કરૂણા છે ને.

વાર્તા- 42

પાછળ [Back]

 

નાની પણ સમજવા જેવી વાર્તા -‘ચા’ 

 

એક આખું ગ્રુપ કોલેજ

છોડ્યાના ઘણા વર્ષો પછી

પાછું ભેગું થયું.

 

બધાજ મિત્રો સેટ હતા અને

ઘણા પૈસા કમાઈ રહ્યા હતા.

 

એ લોકો પોતાના ફેવરેટ

પ્રોફેસરના ઘરે ભેગા થયા.

 

પ્રોફેસર સાહેબે એમના

કરીયર વિષે પૂછ્યું

 

ધીરે ધીરે વાત જીવન માં

વધતા સ્ટ્રેસ અને કામ ના

વધતા પ્રેશર પર આવી ગઈ.

આ મુદ્દા પર બધાજ એકમત હતા,

 

ભલે એ હવે આર્થિક રીતે ઘણા

મજબુત હતા પણ હવે

એમના જીવનમાં એ મજા,

સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.

 

પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી

વાત સાંભળી રહ્યા હતા,

 

એ અચાનક ઉભા થયા અને

કિચનમાં જઈને પાછા આવ્યા

અને બોલ્યા,,

 

‘ડીયર સ્ટુડન્ટ’

હું તમારા બધા માટે ગરમા ગરમ

‘ચા’ બનાવીને આવ્યો છું,

 

પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને

પોત-પોતાના માટે ‘કપ’ લેતા આવો.

 

છોકરાઓ ઝડપથી અંદર ગયા

ત્યાં જાત જાતના કપ મુક્યા હતા,

બધાજ પોતાના માટે સારામાં સારો

કપ શોધવા લાગ્યા.

 

કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ

ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.

 

બધાના હાથમાં ચા આવી ગઈ

પછી પ્રોફેસર સાહેબ બોલ્યા,

 

“જો તમે ધ્યાન આપ્યું હોય તો,

જે કપ દેખાવમાં શાનદાર અને

મોઘાં હતા તમે એજ કપ લીધા છે,

 

સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી.”

જ્યાં એક તરફ આપણા માટે

 

સૌથી શ્રેષ્ઠ

વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે,

 

ત્યાં બીજી તરફ એ આપણા જીવન માં

સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે..

 

ફ્રેન્ડસ, એતો પાક્કું છે કે કપ

ચાની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો,

 

એ તો બસ એક સાધન છે

જેના માધ્યમથી તમે ચા પીવો છો.

અસલમાં તમને જે જોઈતું હતું

 

એ માત્ર ચા હતી,

કપ નહિ.

છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા,

અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને

નિહાળવા લાગ્યા.

 

હવે એક વાતને ધ્યાનથી સાંભળો,

 

“આપણું જીવન ચા સમાન છે,

આપણી નોકરી, પૈસા,

પોઝીશન કપ સમાન છે.

એ બસ જીવન જીવવાના સાધનો છે

ખુદ જીવન નહિ… અને

આપણી પાસે કયો કપ છે

એ ના તો આપણા જીવન ને

ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે.

 

ચા ની ચિંતા કરો, કપ ની નહિ…

 

દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી

જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે,

પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વ શ્રેષ્ઠ

ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે, મોજ માણે છે, અને ભરપુર જીવન જીવે છે.

 

સાદગી થી જીવો,

સૌને પ્રેમ કરો,

સૌનો ખ્યાલ રાખો,

જીવન નો આનંદ લો.

એકબીજા સાથે

જોડાયેલા રહો.

આ જ સાચું જીવન છે.

 

‘જમાવટ’ તો જીંદગીમાં હોવી જોઈએ….

 

બાકી ‘બનાવટ’ તો આખી દુનિયા માં છે જ..

 

‘હસતા’ શીખો યાર…..

‘રડતા’ તો ‘સમય’ શીખડાવી દેશે…

 

 

 

 

ટૂંકી વાર્તા-2

પાછળ [Back]

બદનામીની પરાકાષ્ટા

 

એક ગરીબ માણસ કાયમ ભગવાનને પૈસા માટે કરગરતો. તે રોજ એક ચીઠી  “ભગવાન 50000 રૂ. દઇ દે “લખી ફુગ્ગામાં નાખી ફૂગ્ગો  હવામાં ઉડાડી દેતો . આ ફુગ્ગો રોજ એક પોલીસ સ્ટેશનમાં પડતો .એક પોલીસમેન આ ફુગ્ગો પકડી ચીઠ્ઠી વાંચતો અને બધ્ધા પોલીસ હસતા. એક વખત બધ્ધા પોલીસને દયા આવી ગઇ . બધાએ મળી 25000 રૂ. ભેગા કરી પેલા ગરીબ માણસને આપી આવ્યા કે ભગવાને મોકલાવ્યા છે.

બીજા દિવસે ફરી ફુગ્ગો ઉડ્યો, પોલીસને આશ્ચયઁ થયુ ,પોલીસે ફુગ્ગો પકડયો, અંદર ચીઠ્ઠી હતી તે વાંચી ” હે ભગવાન તારો ખુબ ખુબ આભાર પૈસા મળી ગયા,પણ હવે પૈસા પોલીસ સાથે ના મોકલતા . પોલીસ 25000 ખાઇ ગયા.”

પોલીસ બેહોશ.

 

વાર્તા – 41

પાછળ [Back]

 

સોશિયલ મીડિયા ફંફોળતાં એક કિસ્સો ચીનના પ્રેસિડેન્ટ ઝી (લી) જિનપિંગના નામે વાંચવામાં આવ્યો. મૂળભૂત રીતે આ વાત અંગ્રેજીમાં કહેવાઈ છે અને પ્રેસિડેન્ટ જિનપિંગના શબ્દોમાં વર્ણવાઇ છે. તેમના પોતાના જ કથન મુજબ –

હું જ્યારે નાનું બાળક હતો, સ્વભાવગત રીતે ઘણો સ્વાર્થી હતો અને હમ્મેશાં મારી નજર સારામાં સારું આંચકી લેવા પર રહેતી.

મારા આ સ્વભાવને કારણે ધીરે ધીરે બધા મારાથી દૂર થતા ગયા. મારે કોઈ મિત્રો નહોતા. આમ છતાંય મને લાગતું કે મારો તો કોઈ વાંક જ નથી અને હું હમ્મેશાં બીજાની ટીકા કરતો રહેતો.

મારા પિતાશ્રીએ ત્રણ વાક્યોમાં અનુકૂળ દાખલાઓ સાથે આ પરિસ્થિતીમાંથી મને બહાર કાઢ્યો.

એક દિવસે મારા બાપાએ બે બાઉલ્સ (વાડકા) નૂડલ્સ રાંધ્યા અને તેમણે જુદા જુદા વાડકામાં ભરીને ટેબલ પર મૂક્યા. એક વાડકામાં નૂડલ્સની ઉપર ઈંડું પણ હતું જ્યારે બીજામાં કંઇ જ નહોતું.

તેમણે મને આ બેમાંથી એક વાડકો પસંદ કરવા કહ્યું.

એ કાળખંડમાં ઈંડાં બહુ સરળતાથી મળતાં નહોતાં અને એટલે મેં જેમાં નૂડલ્સની ઉપર ઈંડું મૂકવામાં આવ્યું હતું એ વાડકો પસંદ કર્યો.

મારી પસંદગી માટે હું મારી જાતની પીઠ થાબડતો હતો કે મેં કેવું સરસ પ્રાપ્ત કર્યું. અને એ સાથે જ સૌથી પહેલાં ઈંડું ઝાપટી ગયો.

મારા આશ્ચર્ય વચ્ચે મારા બાપાએ લીધેલ વાડકો જેમાં નૂડલ્સની ઉપર ઈંડું નહોતું તેમાં તળિયેથી બે ઈંડાં નીકળ્યા જે નીચે ઢંકાયેલાં હતાં.

આ જોઈને મેં મારી જાતને કામ વગરની ઉતાવળ કરવા માટે ઠપકો આપ્યો.

મારા પિતાજી મારા મનોભાવ કળી ગયા અને એક સ્મિત કરતાં કહ્યું, “જે તારી આંખ જુએ છે તે સાચું જ હોય તે જરૂરી નથી.”

બીજા દિવસે ફરી એકવાર એમણે બે વાડકા ભરીને નૂડલ્સ રાંધ્યા. આ બંને વાડકામાં નૂડલ્સ ભરીને જ્યારે ટેબલ પર મૂક્યા ત્યારે ફરી એકવાર એક વાડકામાં નૂડલ્સ ઉપર ઈંડું હતું જ્યારે બીજામાં નહોતું. અગાઉના અનુભવને આધારે મેં આ વખતે ઈંડા વગરનો વાડકો પસંદ કર્યો.

પણ…

મારા આશ્ચર્ય વચ્ચે જોયું તો આ વખતે વાડકામાં તળિયે એક પણ ઈંડું નહોતું.

પિતાજીએ ફરી સ્મિત કર્યું અને મને કહ્યું, “અરે બેટા ! માણસે હમ્મેશાં ભૂતકાળના અનુભવ ઉપર આધાર રાખીને જ નહીં ચાલવું જોઈએ. કારણ કે ક્યારેક આવું કરવા જતાં જિંદગી તમને છેતરી જાય છે અથવા તમારી સાથે કોઈક રમત રમાઈ જાય છે !

કોઈ પણ પ્રકારની પરિસ્થિતીમાં નારાજ અથવા નિરાશ નહીં થવું, જે અનુભવ મળે તે ગાંઠે બાંધવો કારણ કે આ પ્રકારનું જ્ઞાન પુસ્તકોમાંથી મળતું નથી.”

ત્રીજા દિવસે મારા બાપાએ ફરી એકવાર બે વાડકા ભરીને નૂડલ્સ રાંધ્યા. ફરી એ ટેબલ પર મુકાયું ત્યારે એકના મથાળે ઈંડું હતું જ્યારે બીજાના મથાળે ઈંડું નહોતું.

એમણે મને જે જોઈએ તે વાડકો પસંદ કરવા કહ્યું.

પણ આ વખતે મેં શાણપણ દાખવ્યું અને મારા બાપને કહ્યું, “તમે પહેલાં પસંદ કરી લો. કારણ કે તમે કુટુંબના વડા છો અને કુટુંબ માટે ઘણું બધું વેઠો છો.”

મારા બાપાને આ સાંભળી આનંદ થયો અને એમણે મારા માટે એક વાડકો પસંદ કર્યો.

એમણે મથાળે ઈંડું હતું એ વાડકો પસંદ કર્યો પણ જેવુ મેં મારા ભાગમાં આવેલ વાડકામાંથી નૂડલ્સ ખાવાનું પૂરું કર્યું તેઓ મારા અત્યંત આશ્ચર્ય વચ્ચે એ વાડકાના તળિયે બે ઈંડાં હતાં !

મારા બાપાએ મારા સામે સ્મિત કર્યું અને અત્યંત પ્રેમપૂર્વક કહ્યું, “દીકરા ! જ્યારે તમે બીજાનું ભલું વિચારો છો ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી સાથે પણ પણ સારી ઘટનાઓ બને છે.”

અંતમાં લી જિનપિંગ લખે છે, મેં હમ્મેશાં આ ત્રણ વાક્યો –

એક – જે તમારી આંખ જુએ છે તે સાચું હોય જ એ જરૂરી નથી, જો તમે લોકોનો લાભ ઉઠાવવા જશો તો છેવટે તમે પણ ગુમાવશો.

બીજું – હમ્મેશાં માત્ર અનુભવ પર જ આધાર રાખવાનું ન રાખો. અનુભવને શીખવા માટેના દિશાસૂચક તરીકે રાખો કારણ કે આવું જ્ઞાન કોઈ પુસ્તકમાંથી નહીં મળે.

અને છેલ્લે તમે જ્યારે બીજાનું ભલું ચાહો છો ત્યારે તમારું પણ ભલું થાય છે એટલે કે કર ભલા હોગા ભલા !!

 

ટૂંકી વાર્તા-1

પાછળ [Back]

 
અન્નનો બગાડ કરશો નહી

 

કાલે મને એક ધક્કો લાગ્યો. એમાંથી હું હજુ પણ બહાર આવી શક્યો નથી. એક બાંધકામની સાઈટ પર થોડા કામદારોનાં છોકરાઓ પકડાપકડી રમી રહ્યા હતા. વોચમેનનો નાનો છોકરો (સાધારણ આઠ વર્ષનો) એક પથ્થર પર બેસીને બીજા લોકોની પકડાપકડીની રમત જોઈ રહ્યો હતો. કોઇ પકડાઇ જાય ત્યારે તે તાળીઓ પાડતો તથા હસતો હતો પણ રમતો નહોતો.

 

મેં તેને પૂછ્યું કે, “તું કેમ નથી રમતો?”

 

છોકરાએ રમતમાંથી નજર હટાવ્યા વગર જવાબ આપ્યો, “મમ્મીએ ના પાડી છે.”

 

“મમ્મી ના પાડે જ કેમ? તેં નક્કી કંઈક આડું અવળુ કર્યુ લાગે છે.” મેં શંકા વ્યક્ત કરી.

 

તેણે જવાબ આપવાનું ટાળ્યુ. મારી વાતને ઉડાવીને પુનઃ રમત જોવા લાગ્યો.

 

પણ તેને ચિડવ્યા વગર હું ચેનથી શેનો બેસી રહુ?

 

“મને ખબર છે કે તારી મમ્મી રમવાની ના કેમ પાડે છે. તું ભણવામાં ધ્યાન નથી આપતો!!!”

 

મારો ટોણો તેને બરાબર લાગી ગયો. તેના ચહેરા પરથી રમતનો આનંદ ઓસરી ગયો. મારી સામે તાકી રહ્યો અને કડવું સત્ય ઊચ્ચાર્યુ.

 

“મમ્મી કહે છે કે: તું રમીશ નહી. રમે તો ભૂખ લાગે છે અને ખાવાનું માગે છે.”

 

તે ચોધાર આંસુએ રડી પડ્યો. હું આ જોઈને ડઘાઈ ગયો અને ત્યાંથી ગમેતેમ કરીને નિકળી ગયો.

 

હું હજુય બેચેન છું. ગયા વર્ષે ભૂખ લગાડવા અને ખાવાનું પચાવવા માટે દવા પાછળ કેટલા ખર્ચ્યા તેનો હિસાબ કરવા બેસી ગયો.

 

અન્નનો બગાડ કરશો નહી